Maariful Quran Gujarati Tafseer Translator

અનુવાદકના બે બોલ

અસ્સલામુ અલયકુમ વ. વ.
મોહતરમ સુજ્ઞ વાંચકો,
આપને જણાવતા અનહદ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું કે ઇસ્લામના એન્સાઈક્લોપિડીયા ગણાતી મર્હૂમ હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ્‌ ઉસ્માની (રહ.)ના હાથે લખાયેલ કુર્આનની વિસ્તૃત તફસીર (વિવરણ)ને ઓનલાઈન ઈ–બુક્સ સ્વરૂપે આ વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી છે. અત્યારે આધુનિક ટેક્નોલોજીના યુગમાં ઇલેક્ટ્રોનિક ડિવાઈસીસ જેમકે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ડેસ્કટોપ વગેરેના માધ્યમ વડે કિતાબોની હાર્ડકોપી (ફિઝીકલ કોપી)નું સ્વરૂપ ઈ–કોપીએ લઈ લીધું છે અને તે વાંચવામાં સરળ તથા હાથવગુ હોવાથી પોતાની ફુરસદના ઓછા સમયમાં પણ કોઈપણ સ્થળે પોતાની પાસે રાખી શકાય છે અને તેનો લાભ ઉઠાવી શકાય છે; એ બાબતને ધ્યાનમાં રાખી મઆરિફુલ કુર્આનની ગુજરાતી તફસીરને કે જે થોડા વર્ષો પહેલાં હાર્ડકોપી અને પુસ્તક સ્વરૂપે ૧૧ ભાગમાં છપાઈ ચૂકી છે તેની ઈ–કોપી ઓછી સાઈઝની પી.ડી.એફ. ફાઈલ સ્વરૂપે આ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે કે જેથી આપની ડિવાઈસની ઓછામાં ઓછી જગ્યા રોકે અને તેને ડાઉનલોડ કરવામાં સરળતા રહે.

મઆરિફુલ કુર્આન ગુજરાતીની આ ઈ–કોપી સૂરહ મુજબ તેમજ છપાયેલા ભાગ મુજબ આમ બંને સ્વરૂપે અત્રે મુકવામાં આવેલ છે તથા પ્રસ્તાવનામાં હઝરત મુહમ્મદ શફીઅ્‌ સા. (રહ.)એ વહી, કુર્આનને સુરક્ષિત રાખવાની પદ્ધતિ, કિરાઅતના પ્રકાર, મઆરિફુલ કુર્આન અસ્તિત્વમાં આવવાનું કારણ અને પોતાનો ટૂંકો પરિચય આપેલ છે; સાથે મુજ નાચીઝે પણ મારો ખૂબ ઓછા શબ્દોમાં સામાન્ય પરિચય આપેલ છે તથા આ ઈ–કોપી ઓનલાઈન વાંચતા પહેલાં તથા ડાઉનલોડ કરતા પહેલાં નીચે આપેલ પહેલા ભાગમાં અને બીજા ભાગમાં છપાયેલ અનુવાદકના બે બોલ વાંચવા ખૂબ જ જરૂરી છે જે અત્રે મૂકી રહ્યો છું, કારણ કે ”અનુવાદકના બે બોલ”માં મઆરિફુલ કુર્આન ગુજરાતીની તફસીર વિશે તથા તેના તરજુમા વિશે કેટલીક બાબતો સમજવા મળશે.

હાલમાં જ મારા વાલિદ મોહતરમ હાજી ગુલામ મુહંમદ આદમ સાલેહ પટેલનો ૩૧ માર્ચ ર૦૧૮ના રોજ ઇન્તેકાલ થયો છે અને તે પહેલાં મારી વાલિદહ મોહતરમા ઇ.સ. ર૦૦૮માં ઇન્તેકાલ કરી ચૂક્યા છે. દરેક સુજ્ઞ વાંચકોથી તેમના માટે તથા ઉમ્મતના તમામ મર્હૂમીન માટે દુઆ ગુઝારવા તથા આ લિલ્લાહ કાર્યનો ઇસાલે સવાબ પહોંચાડવા નમ્ર વિનંતી છે.

ઉપરાંત આ વેબસાઈટ સંપૂર્ણપણે ફીસબિલિલ્લાહ પ્રચાર પ્રસાર માટે હોઈ તેનો વેપારી ધોરણે અથવા અન્ય કોઈ સ્વરૂપે દુરુપયોગ કરવો પ્રતિબંધિત છે અને એ બાબતની કાનૂની ચેતવણી આ વેબસાઈટમાં મૂકવામાં આવેલ છે તેનો અભ્યાસ કરી લેવા વિનંતી છે.

અંતે આપને જણાવતા ખુશી અનુભવું છું કે ગુજરાતી ભાષામાં શુદ્ધ ઉચ્ચારથી અને સ્પષ્ટ રીતે વાંચીને એક ઑડિયો એપ્લીકેશન બનાવવા માટે પ્રતિબદ્ધ છું. દુઆ કરો અલ્લાહ તઆલા આ દિલી ઇચ્છાને પૂરી કરે. જો આ એપ્લીકેશન બને તો તેને ડાઉનલોડ કરી કુર્આનની કોઈપણ આયત અને તેની તફસીરને માત્ર એક ક્લીક દ્વારા સર્ચ કરી સાંભળી અને વાંચી શકાશે. ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તઆલાથી ઉમ્મીદ છે કે તેમાં મને સફળતા આપશે. આમીન.

ઉપરાંત આ તફસીરમાં આવતા ઇસ્લામના પારિભાષિક (ઇસ્તેલાહી) શબ્દો જેમકે વહી, ફરિશ્તા, શયતાન, જન્નત, દોઝખ, નમાઝ, રોઝા, ઝકાત, સદકહ, ફઈ, ઉશ્ર, હદ વગેરે જેવા હજારો શબ્દોને તેના મૂળ અર્થથી લઈ અન્ય ભાષાઓમાં તેના અર્થો અને બોલચાલની ભાષામાં તેના વપરાશ વગેરેના ઇતિહાસ સાથે એક આગવી પુસ્તિકા સ્વરૂપે પણ સંપાદિત કરવાનો ઇરાદો છે. દાખલા તરીકે, કુર્આન શરીફમાં ”સાહિબ” શબ્દ આવે છે, ગુજરાતીમાં ”સાહેબ” બોલાય છે અને ઉર્દૂમાં ”સાહબ” બોલાય છે. આમ સામાન્ય અપભ્રંશ સાથે જેવાને તેવા અર્થમાં આ શબ્દ બોલાય છે. આવા કુર્આનના અનેક અરબી શબ્દો સીધે સીધા ગુજરાતીમાં પ્રચલિત છે તથા અરબી ભાષાના તો સેંકડો શબ્દો ગુજરાતી ભાષામાં અધિકારિક સ્વરૂપે સામેલ થઈ ચૂક્યા છે. આ બધાને મઆરિફુલ કુર્આન ગુજરાતીની તફસીરને માધ્યમ બનાવીને તેમાં આવતા આવા બધા જ ઇસ્લામિક ઇસ્તેલાહી (પારિભાષિક) શબ્દોને કે જે ગુજરાતી ભાષામાં પ્રચલિત છે અને જે નથી તે બધાને એક સ્થળે ભેગા કરી એક પુસ્તક સ્વરૂપે સંપાદિત કરવામાં આવે તો આનાથી ઇસ્લામને સમજવાની ગેરમુસ્લિમોને પણ સારી એવી તક પ્રાપ્ત થશે અને દા’વતનું કામ કરનારા દાઈઓ (પ્રચારકો)ને પણ તેનો લાભ મળશે. દુઆ કરો અલ્લાહ તઆલા આ કામ પણ જલ્દી પુરું કરાવે. આમીન. અંતે આપ સૌને દુઆની ગુઝારીશ છે.

– ઇલ્યાસ ગુલામમુહમંદ આદમ સાલેહ પટેલ ખાનપુરી

Download
Download

Leave a Reply

%d bloggers like this: